આરોપીઓ ચોરેલી મોટરોને તોડીને તેના પાર્ટ્સ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા
હળવદ : બે દિવસ પહેલા એટલે કે 18 નવેમ્બરના રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી નામથી ઓળખાતી સીમમાં ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ પર ખેડૂતોએ મૂકેલી ઈલેક્ટ્રીક મોટરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મોરબી ક્રાઈમ બ્રાંચે ચોરી કરતી ગેંગના 3 શખ્સો તથા ચોરીનો માલ રાખના સહિત કુલ 6 આરોપીઓને કુલ રૂપિયા 4 લાખ 90 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
ગુનાની વિગત જોઈએ તો હળવદના સુસવાવ ગામની સીમમાં કેનાલ પર ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલી ઈલેક્ટ્રીક મોટરોના રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરીને લઈ ગયા હતા. બે ગુનામાં કુલ 12 જેટલી ઈલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ હતી. જે અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ગુના નોંધાયા હતા. ત્યારબાદ પોલીસે ચોરીને અંજામ આપનાર શખ્સો મોરબી માળિયા ફાટક સર્કિટ હાઉસ સામે નશીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં ઈલેક્ટ્રીક મોટરોને તોડી તેમાંથી નીકળેલા તાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ, એલ્યુમિનિયમ, પીતળ, બીડ વગેરે ગાડીમાં ભરી વેચવા જતા હતા ત્યાં તપાસ કરતાં ત્રણ આરોપી ઝડપાયા હતા. જેમાં મોરબીના કરણભાઈ મોતીભાઈ ટોળીયા, રોહીતભાઈ મુનાભાઈ ઝંઝુવાડીયા અને સાગરભાઈ મગનભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ રાખનાર આરોપીઓ મંજુરહુસેન રહીમભાઈ ખુરેશી, હરીલાલ વિરુજી ગુર્જર અને જાવેદભાઈ અલારખાભાઈ સિપાઈને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓ પાસેથી 12 નંગ ઈલેક્ટ્રીક મોટરના પાર્ટ્સ વગેરે મળી 1 લાખ 90 હજારનો મુદ્દામાલ તથા બોલેરો પીકઅપવાન જેની કિંમત 3 લાખ આમ કુલ 4 લાખ 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી આગળ ધરી છે. સાથે જ ખેડૂતો અને નાગરિકોને પોલીસે અપીલ કરી છે કે, રાત્રિના સમયે દેખરેખ રાખવામાં આવે અને શંકાસ્પદ વ્યક્તિ કે વાહનો અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે.











