ટંકારા : દેશના બાર રાજ્યો સાથે ગુજરાતમાં તેમજ મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) અંતર્ગત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રક્રિયામાં બુથ લેવલ ઓફિસર (BLO) દોર ટુ ડોર જઈ મતદાર પત્રકો પહોંચાડવાના, સુધારણા ફોર્મ સ્વીકારવાના અને ફોર્મને ઓનલાઈન એન્ટ્રી કરવાના મહત્વપૂર્ણ કાર્યો સંભાળી રહ્યા છે.
કાર્યભાર વધારે હોવાથી તથા મતદારયાદી સુધારણામાં પડતી વિવિધ તકનીકી મુશ્કેલીઓને કારણે બીએલઓ માનસિક તાણ અનુભવી રહ્યા હતા. આ પરિસ્થિતિને સમજતા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રવિવારે પોતાના વિધાનસભા વિસ્તારના રવાપર, ન્યુ એરા, રાજપર સહિતના અનેક બુથોની મુલાકાત લીધી હતી.
ધારાસભ્યએ બુથ પર હાજર બીએલઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ વિષે વિગતવાર ચર્ચા કરી. સાથે સાથે કેટલા ફોર્મ પરત આવ્યા, કેટલી ઓનલાઈન એન્ટ્રીઓ થઈ અને કેટલું કાર્ય બાકી છે તેની માહિતી પણ મેળવી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ બીએલઓની નિષ્ઠાપૂર્ણ સેવા અને ભારે દબાણ વચ્ચે પણ કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી અને તેમને મનોબળ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.















