મોરબી : મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામ નજીક આવેલા એક મોબાઇલ ટાવરમાંથી કોપર કેબલ વાયરની ચોરીના ગુનાને ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ચોરીનો માલ અને ગુનામાં વપરાયેલું વાહન મળી કુલ રૂપિયા 1,15,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તા. 22/11/2025 ના રોજ રાત્રે 09:30 કલાકે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ લક્ષ્મીનગર ગામ પાસેના મોબાઇલ ટાવરમાંથી આશરે રૂપિયા 30,000/- ના કોપર કેબલ ચોરી જવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગુનાને અંજામ આપનાર ઇસમો ચોરી કરેલ કોપર કેબલ વાયર લઇને એક ઇકો ગાડી (રજી. નંબર GJ-03-DN-2551) માં ધરમપુરથી મોરબી તરફ આવવાના છે. આ બાતમીના આધારે, ધરમપુર ગામના સ્મશાન પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ઇકો કારને રોકીને ચેક કરતાં, તેમાંથી ચોરીમાં ગયેલ 30 કિલો કોપર કેબલ વાયર મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક બે શખ્સો કાટીયાભાઇ નરશીભાઇ દેવીપુજક (ઉંમર-32 રહે. કંકાવટી, જી. સુરેન્દ્રનગર) અને દીલીપભાઇ પોપટભાઇ દેવીપુજક (ઉંમર-35, રહે. વાલબાઈ ની જગ્યા પાસે, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) ની ધરપકડ કરી 15,000 ની કિંમતનો 30 કિલો કોપર વાયર સહિત કુલ રૂપિયા 1,15,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.











