મોરબી : મોરબીમાં પગ પાસે કારની બ્રેક મારતા બોલાચાલી થયા બાદ યુવાન ઉપર ચાર શખ્સો છરી, ધોકા અને પાઈપ લઈને તૂટી પડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભડિયાદ કાંટા રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોલ ઉ.વ. ૨૩એ મોરબી બી ડિવિઝન પોલીસમાં આરોપી ધ્રુવભાઈ દામજીભાઈ મકવાણા, દામજીભાઈ, અજય તથા મહેશ નામના આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.21ના રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં તેઓ જવાહર સોસાયટી પાસે ઉભા હોય તે દરમિયાન વરના કાર લઈને જતા ધ્રુવભાઈએ તેમના પગ પાસે બ્રેક મારતા બોલાચાલી થઈ હતી.
બાદમાં ધ્રુવભાઈએ તેમના પિતા દામજીભાઈને બોલાવ્યા હતા. દામજીભાઈએ લોખંડનો પાઈપ જમણા પગમાં માર્યો હતો. અજય નામના શખ્સે ધોકો હાથમાં માર્યો હતો અને મહેશ નામના શખ્સે ફરિયાદીને પકડી રાખ્યા હતા. બાદમાં દામજીભાઈએ લોખંડનો પાઈપ ડાબા હાથમાં માર્યો હતો. અને ધ્રુવભાઈએ જમણા હાથમાં છરી મારી હતી. બાદમાં અજયભાઈએ વાસાના ભાગે ધોકો માર્યો હતો. જેથી ફરિયાદીને ડાબા હાથમાં તથા જમણા હાથમાં ફ્રેકચર આવ્યું હતું અને જમણા હાથમાં ટાંકા આવ્યા હતા. આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








