30 હજાર અને બાદમાં બે લાખના ચાર લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરાતા યુવાને અંતે પોલીસ ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીમાં વ્યાજખોરો બેફામ બની પોલીસના ખોફ વગર પઠાણી ઉઘરાણી કરતા હોવાની અનેક ફરિયાદ વચ્ચે વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દવાખાનાના કામ માટે નાણાંની જરૂર પડતા યુવાને દસ ટકા વ્યાજે નાણાં લઈ દસ ગણા અને અન્ય એક આરોપીને બમણાં નાણાં ચૂકવી દેવા છતાં બન્ને વ્યાજખોરોએ ફોનમાં તેમજ રૂબરૂ ધાક ધમકી આપતા બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલમાં ચંદ્રેશનગર મોરબી ખાતે રહેતા ફરિયાદી અરવિંદભાઈ દેવસીભાઈ માકાસણા ઉ.48 નામના યુવાને આરોપી વ્યાજખોર મનીષ બાલુભાઇ સુરાણી રહે.ધરમપુર વાળા પાસેથી દવાખાનાના કામમાં જરૂર પડતા 30 હજાર દસ ટકા વ્યાજે લઈ ત્રણ લાખ ચૂકવી આપ્યા હતા. આ ઉપરાંત આરોપી આનંદ કિશોરભાઈ ધ્રાંગા રહે.નાગડાવાસ વાળા પાસેથી દસ ટકા વ્યાજે 2 લાખ લઈ બાદમાં ચાર લાખ ચૂકવી દેવા છતાં બન્ને આરોપીઓએ અવાર નવાર ઘેર આવી તેમજ ટેલિફોનિક ધમકી આપી બળજબરી કરતા હોય બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધાર સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










