મોરબી-કંડલા બાયપાસ રોડ પર નવલખી ફાટક પાસે આવેલી નેક્સસ સિનેમા ખાતે સંચાલક દ્વારા સિનેમા બિલ્ડિંગના સ્ક્રીન-2માં આગની ઘટનાની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમ ખાતે 25 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે કરી હતી. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ફાયર બ્રિગેડની ફાયર ફાઈટર સહિતના તમામ આધુનિક સાદનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે 7-12 મિનિટે ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને બધા સ્ટાફ અને માણસોને સલામત જગ્યાએ શિફ્ટ કરીને 2 ઈજાગ્રસ્તોને બહાર કાઢીને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે આ સમગ્ર આગની ઘટનાને અંતે મોકડ્રિલ જાહેર કરાતા હાજર સર્વેએ રાહત મેળવી હતી અને સિનેમા સ્ટાફ દ્વારા પણ ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો. આ મોકડ્રિલનો ઉદ્દેશ લોકોને સિનેમામાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કઈ રીતે કેઝ્યુલિટીને બચાવવી તે હતો. આવી કોઈ દુર્ઘટના થયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ નંબર 02822-230050 અને 101 પર સંપર્ક કરવા જણાવાયું છે.













