મોરબી: તારીખ 04/12/2025 ના રોજ મોરબી સિટી વિસ્તારમાં એક પીડિત મહિલા એકલા રસ્તા પર બેઠા હોવાની જાણ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને એક જાગૃત નાગરિકે કરી હતી. માહિતી મળતા જ 181 ની કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા પો.કોન્સ્ટેબલ શારદાબેન અને પાયલોટ રસિકભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહિલા રસ્તા પાસે એકલા બેઠા હતા અને રડતા હતા. 181 ટીમ દ્વારા મહિલાને શાંતિ આપીને ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. મહિલાએ જણાવ્યું કે પતિ સાથે ઝઘડો થતાં તે તેમને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને હાલ પતિથી અલગ રહે છે. ટીમે મહિલા પાસેથી ઘરનું સરનામું મેળવીને તેમના ઘરે પહોંચી પતિ સાથે વાતચીત કરી. પતિએ જણાવ્યું કે તેમની પત્ની છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક રીતે બીમાર છે અને અવારનવાર ઘરેથી નીકળી જાય છે. તેમની સારવાર પણ ચાલુ છે. ઝઘડાનું કારણ એ હતું કે પત્નીએ ભૂવા પાસે દોરા-ધાગા કરાવવા જવાનું કહ્યું હતું, જેની પતિએ ના પાડી હતી.
181 ટીમે મહિલા અને પતિ બંનેને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત સારવાર કરાવવાની સમજણ આપી. ટીમે પતિને પત્નીનું ખાસ ધ્યાન રાખવા અને નિયમિત દવા આપવાની સલાહ આપી. મહિલાએ પણ ખાતરી આપી કે હવે પછી તે પતિને કહ્યા વગર ક્યારેય ઘર છોડશે નહીં. આખરે, 181 અભયમ ટીમે માનસિક બીમારીથી પીડાતી મહિલાનું તેના પતિ સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું હતું, જે બદલ પતિએ ટીમનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.











