મોરબી : દેશવ્યાપી સાયબર ફ્રોડ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે હાથ ધરેલી મેરેથોન કાર્યવાહીમાં સાયબર માફિયાઓ તરફથી મળતા કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપી રૂ.11 લાખથી વધુની રકમ સંગેવગે કરવા મામલે વધુ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ ઍરેસ્ટ, બેન્ક ફ્રોડ તેમજ અલગ અલગ તરકીબો અજમાવી લોકો પાસેથી નાણાં પડાવી ભાડાના બેન્ક એકાઉન્ટમાં આવા નાણાં જમા કરાવનાર સાયબર માફિયાઓનું નેટવર્ક ભેદી દિલ્હી તેમજ ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસે આવા સેંકડો મ્યુલ બેન્ક એકાઉન્ટ ધારકોને ઓળખી કાઢ્યા હોય જે અંગેના લિસ્ટ તમામ જિલ્લામાં મોકલતા સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસ એક બાદ એક સાયબર માફિયાના કમિશન એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગઈકાલે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સાહિદ સુભાનભાઈ મુલતાની રહે.શોભેશ્વર રોડ, ભુવનેશ્વરી પાર્ક, વિરલ હિમતભાઈ ઈલસણીયા, દીપેશ હિમતભાઈ ઇલાસણીયા રહે.મોરબી અને આરોપી સમીર બદીયાણી રહે.રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી સાહિદને ઝડપી લેવાયો હતો.જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસને હાથ આવ્યા નથી.
બીજી ફરિયાદમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં સાયબર માફિયાઓના કમિશન એજન્ટ બની રૂ.2,01,120 જમા કરાવી એટીએમ અને ચેકથી નાણાં ઉપાડી સાયબર માફિયાઓ સુધી પહોંચતા કરવા સબબ આરોપી વસંત જેરાજભાઈ વાઘેલા, રહે.કોળીની વાડી, રોકડીયા હનુમાન પાસે મોરબી, લાલજી શામજી દેગામા રહે.માંધાતા સોસાયટી, વીસીપરા મોરબી, રવિ ગઢવી રહે.મોરબી અને આરોપી ગોપાલ ઉપસરિયા રહે.હાલ મધુપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.










