મુસ્કાન વેલફેર સોસાયટી દિવ્યાંગ દીકરીને મહેંદી તાલીમથી ભવિષ્ય ઉજ્જવળ બનાવશે
મોરબી : મોરબીમાં કડીયા કામ કરતા શ્રમિકની આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવાની વચ્ચે આ શ્રમિકની પુત્રી દિવ્યાંગ હોવાથી તેનું ભવિષ્ય અંધકારમય બની તેવું ધ્યાને આવતા મુસ્કાન વેલફેર સોસાયટી આ દિવ્યાંગ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા તેની વ્હારે આવી છે અને આ સંસ્થાએ એક બ્યુટી પાર્લરની મદદથી આ દીકરીને મહેંદી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. જેથી આગળ જતાં તે પગભર બનશે.
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એક મૂક-બધિર દિવ્યાંગ દીકરી જ્યોતિને મહેંદીની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તે પોતાના હુનર દ્વારા આત્મનિર્ભર બની શકે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય તેને રોજગારલક્ષી કૌશલ્ય આપવાનો છે. જેથી આ દીકરી આત્મવિશ્વાસ સાથે પોતાના પગ પર ઊભી રહી શકે. જ્યોતિના પિતા કાડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતિમાં આ તાલીમ જ્યોતિ માટે સ્વાવલંબન તરફનો મહત્વપૂર્ણ પગથિયુ સાબિત થઈ રહ્યું છે. આ સેવા કાર્યમાં મુસ્કાન વેલફેર સોસાયટી સાથે બ્યુટી પાર્લરના મુક્તાબેનએ સહકાર આપી દીકરીને મહેંદી તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ દીકરીને પોતાના હુનરને નિખારવાની નવી તક મળી છે. મુસ્કાન વેલફેર સોસાયટીનો દૃઢ વિશ્વાસ છે કે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તક મળે તો દરેક દીકરી, ભલે તે કોઈપણ અક્ષમતા ધરાવતી હોય, પોતાની ક્ષમતાને ઓળખી સફળતાના શિખરો સર કરી શકે છે. સમાજની મુખ્યધારામાં તેમને સન્માનપૂર્ણ સ્થાન અપાવવું એ અમારી સામૂહિક જવાબદારી છે.












