CCI કેન્દ્રનો કપાસ વેચવા 31 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશ શરૂ, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, કૃભકોના ડાયરેક્ટર મગનભાઈ વડાવિયા, અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતની રજૂઆતો ફળી
માળિયા : મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણી બાદ આ વિસ્તારમાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનું CCI (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) કેન્દ્ર આખરે ચાલુ કરી દેવામાં આવ્યું છે.
CCI કેન્દ્ર શરૂ કરવા માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, કૃભકો (KRIBHCO)ના ડાયરેક્ટર મગનભાઈ વડાવિયા, અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના અગ્રણીઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે આ કેન્દ્ર શરૂ થયું છે. ખાસ કરીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કૃભકોના ડાયરેક્ટર મગનભાઈ વડાવિયાના વિશેષ પ્રયત્નોથી માળિયા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા જે.એમ.ડી. ફોરેજિનમાં આ સીસીઆઇ કેન્દ્રનો આજથી પ્રારંભ થયો છે.
કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય અને સહકારી ક્ષેત્રના બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, સીસીઆઈ સેન્ટરના અધિકારી હિતેશભાઈ, મોરબી એપીએમસીના વાઇસ ચેરમેન મનહરભાઈ બાવરવા, મોરબી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નવીનભાઈ ફેફર, એપીએમસી મોરબીના ઇન્ચાર્જ સેક્રેટરી કાંતિભાઈ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ હુંબલ, માળિયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા અને ડી ડી જાડેજાભાઈ, માળિયા સંઘના મેનેજર ઉત્સવભાઈ, તેમજ અનેક સરપંચોએ હાજરી આપી હતી. માળિયા તાલુકામાં CCI કેન્દ્રની માંગણીમાં સફળતા મળતાં સમગ્ર મોરબી જિલ્લા કોંગ્રેસની ટીમે પણ આ ઓપનિંગ સમયે ઉપસ્થિત રહી હતી.
કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ કપાસનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય, તેઓએ પોતાના મોબાઈલમાં Google Play Store પરથી ‘કપાસ કિશાન’ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન દ્વારા પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, અપડેટ થયેલ બેંક ખાતા સાથે લિંક કરેલા આધાર કાર્ડ, 7/12 (સાતબાર) તથા 8 અ, અને કપાસ વાવેતરનો દાખલો વગેરે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તારીખ 31 ડિસેમ્બર, 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.













