મોરબી : મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાના હેતુથી સક્રિય જિલ્લા માર્ગ સલામતી સમિતિની પહેલ હેઠળ, મોરબી RTO વિભાગ દ્વારા આજે મોરબી APMC ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
RTO ઇન્સ્પેક્ટર આર. એ. જાડેજાની આગેવાની હેઠળ આ કાર્યક્રમમાં ખેડૂતો અને ડ્રાઇવરોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને, APMC ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાક સાથે ટ્રેક્ટર-ટ્રોલી મારફતે આવતા હોવાથી, રાત્રીના અકસ્માતો ટાળવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, ટ્રેક્ટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિત લગભગ 50 જેટલા વાહનોમાં રેડિયમ સ્ટિકર્સ લગાડવામાં આવ્યા હતા. આ રેડિયમની મદદથી રાત્રીના સમયે રસ્તા પર વાહનો સરળતાથી દેખાઈ શકે અને કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ડ્રાઇવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સક્રિય પગલાં દ્વારા જિલ્લામાં માર્ગ સલામતીના સ્તરમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.













