સેમિનારમાં 6 હજાર જેટલાં વાલીઓ ઉપસ્થિત રહી પોતાના સંતાનોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું
મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી એક ભવ્ય અને વિચારપ્રેરક મેગા વાલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલીની ઉજવણી બાદ, પ્રમુખ પી.ડી. કાંજીયાના વિચારથી વર્તમાન વાલીઓને એકસાથે બોલાવવાનું આયોજન કરાયું હતું. 25 ડિસેમ્બરના રોજ યોજાયેલા આ સેમિનારમાં છ હજારથી વધુ વાલીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ જોવા મળી, જે નવયુગ સંસ્થા પ્રત્યેના વિશાળ વિશ્વાસનું પ્રતીક છે.
વિદ્યાર્થીઓના શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર પર ભાર મૂકતા આ મેગા સેમિનારનું આયોજન ધોરણ અનુસાર બે અલગ-અલગ સત્રોમાં થયું હતું. જેમાં ધોરણ 9 થી કોલેજના વિદ્યાર્થીઓના સત્રમાં વાલીઓ માટે જાણીતા પ્રેરક વક્તા શૈલેષભાઈ સગપરિયાએ કારકિર્દી ઘડતર, લક્ષ્યનિર્ધારણ, શિસ્ત અને જીવનમૂલ્યો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે માત્ર ગુણ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સંસ્કાર બાળકના સફળ ભવિષ્યનો સાચો આધાર છે.
આ ઉપરાંત KG થી ધોરણ 8 ના વિદ્યાર્થીના વાલીઓ માટે પ્રેરણાત્મક વક્તા યોગીરાજભાઈ સોનીએ બાળઘડતર, માતા-પિતાની જવાબદારી અને સંસ્કાર ઘડતરમાં પરિવારની ભૂમિકા વિશે હૃદયસ્પર્શી ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું, જેનાથી વાલીઓને બાળકોને વધુ સારી રીતે સમજવાની પ્રેરણા મળી.
સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ માટે નવયુગની પરંપરા મુજબ સુવ્યવસ્થિત જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી પારિવારિક વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે પ્રમુખ પી.ડી. કાંજીયા અને નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયાએ વાલીઓને સંબોધન કર્યું હતું. પી.ડી. કાંજીયા સાહેબે જણાવ્યું હતું કે, “વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એ જ નવયુગની સાચી તાકાત અને સફળતા છે, અને અમારા 25,000 થી વધુ હેપી સ્ટુડન્ટ્સ એ જ અમારી સાચી મૂડી છે.”


















