વાંકાનેર ખાતે ચાલી રહેલા 17મા કામા અશ્વ શોમાં ઠેર ઠેરથી અસ્વારો પોતાના અશ્વને લઈને આવ્યા છે. આ અશ્વ શોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે. ત્યારે આજે પ્રથમ દિવસે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ કામા અશ્વ શોની મુલાકાત લીધી હતી. આ તકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને આયોજકો દ્વારા રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બેન્ડની સૂરાવલી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વાંકાનેરમાં અશ્વ શોનું આયોજન એ આપણા સૌના માટે પ્રસન્નતાની વાત છે. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આ અશ્વ શોનું આયોજન કરીને લોકોના દિલમાં અશ્વો પ્રત્યે પ્રેમ પ્રગટ કર્યો છે. ભારતની સંસ્કૃતિમાં અશ્વો પ્રત્યે સન્માનનો ભાવ છે. ગુજરાતીઓ પશુઓ પ્રત્યે ખૂબ જ સંવેદના રાખે છે. રાજા-મહારાજાઓએ પણ પશુઓના સંવર્ધનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતના સિંહ, ગૌમાતા અને અશ્વ ત્રણેયના સંવર્ધન માટે કાર્ય કરવામાં આવશે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ગાય અને ભેંસમાં એવા સિમનનું નિર્માણ કર્યું છે જેનાથી આગામી સમયમાં ગાય વાછડીને જ વધુ જન્મ આપશે અને દૂધ પણ વધુ આપશે. આ સિમન સરકાર પશુપાલકોને નજીવા દરે આપી રહી છે. સાથે જ રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
અશ્વ શોને નિહાળીને રાજ્યપાલે કામા અશ્વ શોના સમગ્ર આયોજનની પ્રસંશા કરી હતી. નેધરલેન્ડના ફોટોગ્રાફર કે જેઓ માત્ર ઘોડાની ફોટોગ્રાફી કરે છે અને આજની લોન્ચ થયેલ બુકમાં સૌથી વધુ ફોટો જેમના છે એમનું પણ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યપાલના હસ્તે પશુપાલનના સંવર્ધન માટે પાડા અને ગાયના પાલકોને પણ સન્માનિત કરાયા હતા. સ્પર્ધાના વિજેતાઓને રાજ્યપાલે સન્માનિત કર્યા હતા. આ તકે માઉન્ટેન પોલીસ દ્વારા અદભૂત અશ્વ કરતબ કરવામાં આવ્યા હતા.











