વાંકાનેર : આજે તારીખ 26 ડિસેમ્બરથી વાંકાનેર ખાતે 17મો કામા અશ્વ શોનો પ્રારંભ થયો છે. ત્યારે આજે અશ્વ શોમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેમાં આજે યોજાયેલી શણગાર સ્પર્ધામાં સાળંગપુરનો શુભલક્ષ્મી નામનો અશ્વ પ્રથમ ક્રમે વિજેતા થયો છે.
આજ રોજ યોજાયેલી શણગાર સ્પર્ધા અશ્વ તથા અશ્વ સવારમાં પ્રથમ ક્રમે સાળંગપુરના અશ્વ શુભલક્ષ્મી અને તેમના અસ્વાર વિશ્વજીતસિંહ ખાચરને 15 હજાર રોકડ પુરસ્કાર, શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. બીજા ક્રમે તરણેતર પાસેના ઉંડવી ગામનો સૂર્યાંશ નામનો અશ્વ અને તેમના અસ્વાર માયાભાઈ રહ્યા હતા જેઓને 10 હજાર રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે શણગાર સ્પર્ધામાં ત્રીજા ક્રમે રાજલક્ષ્મી નામનો અશ્વ અને તેમના અસ્વાર ક્રિપાલસિંહ રહ્યા હતા. જેઓને 7 હજાર રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તમામ વિજેતાઓને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા.










