મોરબી : ગુજરાતમાં વર્ષ 2025ના અંતિમ દિવસે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત પશ્ચિમ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ માવઠા રૂપી વરસાદી વિઘ્ન શરૂ થયું છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર પંથકમાં વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. આગામી કલાકોમાં આ માવઠું કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે. મહત્વની વાત એ છે કે, આ વરસાદી માહોલ આજે રાત્રિ દરમિયાન પણ યથાવત રહી શકે છે, જેના કારણે નૂતન વર્ષ 2026ની શરૂઆત પણ માવઠા સાથે થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત રમેશ બસીયાએ જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લામાં ઢળતી સાંજ થી આવતી કાલ સુધી માવઠાનું મંડાણ છે. જ્યારે 2 જાન્યુઆરીથી રાજ્યના ઉત્તર ભાગોમાં થોડી અસર રહેશે.









