મોરબીના સરદાર રોડ પર આવેલ મનપા હસ્તકની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરી હવે નવા સરનામે કાર્યરત કરવામાં આવી છે. સુધારા શેરી સ્થિત ફાયર સ્ટેશનના સ્થાને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા નવા બિલ્ડીંગનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હોવાથી, લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને કામચલાઉ ધોરણે કેસરબાગ ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરદાર રોડ પર સુધારા શેરીમાં કાર્યરત ફાયર સ્ટેશનના નવા બિલ્ડીંગનું નિર્માણ કાર્ય પ્રગતિમાં હોવાથી તમામ વ્યવસ્થાઓ કેસરબાગ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે શિફ્ટ કરવામાં આવી છે. હવેથી ફાયર એનઓસી, આગ બુઝાવવાના સાધનો કે અન્ય કોઇપણ ઈમરજન્સી સેવાઓ માટે નાગરિકોએ કેસરબાગ સ્થિત નવા હંગામી ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે. જ્યાં સુધી નવા બિલ્ડીંગનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વહીવટી અને ઈમરજન્સી કામગીરી આ નવા સ્થળેથી જ સંભાળવામાં આવશે.










