વાંકાનેર : હિન્દુ આસ્થાનું કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વારંવાર થયેલા હુમલાઓ છતાં લોકોની શ્રદ્ધાને જીવંત રાખતાં તેના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 75 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે, વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા ભાટિયા સોસાયટી સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા, અભિષેક તથા શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા બાદ વર્ષ 1947માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરવામાં આવી હતી, અને 1951માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તે ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારે હાલ તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ પર્વ અંતર્ગત, સોમનાથ મંદિરના 1000 વર્ષના અતૂટ આસ્થાના ઇતિહાસ અને પૂર્વજોના બલિદાનને યાદ કરવામાં આવી રહ્યા છે.
પ્રવિણભાઇ પંડ્યા અને હેતલબેન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના શૈલેષભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, હરુભા ઝાલા, રતિલાલ અણિયારીયા અને ભાટિયા સરપંચ ટીનુભા જાડેજા સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાટિયા સોસાયટીના મહિલા ધૂન મંડળ દ્વારા શિવધૂન કરવામાં આવી હતી અને અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.














