હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ગત મોડી રાતના પલ્સર બાઈક પર આવેલા બે શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પ્રકરણમાં બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પ્રધાનમંત્રી આવાસની બાજુમાં મોગલ માતાજીના ભુવા ફિરોજભાઈ સંધિની ગૌશાળા આવેલી છે. અહીં રાત્રિના સમયે બાઈક પર બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા અને ગૌશાળામાં કામ કરતા વ્યક્તિને કહેલ કે ફિરોઝભાઈ કયા છે ? તેવું કહ્યા બાદ તેમણે દરવાજા ઉપર ફાયરિંગ કર્યું હતું.
ડીવાયએસપી જે.એમ.આલે બનાવ અંગેની વિગતો આપતા જણાવ્યું કે માજીદભાઈ યુનુંસભાઇ સંધિની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ફિરોજભાઈ સંધીએ દસ દિવસ પહેલા ધાંગધ્રાના બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને શખ્સોએ ફરિયાદનો ખાર રાખી ફાયરિંગ કર્યું છે કે કેમ તે દિશામાં હાલ તપાસ ચાલુ છે.











