મોરબીની આરટીઓ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ઉચ્ચત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર, સ્લોગન, પોસ્ટર, નિબંધ અને કવિઝ સ્પર્ધાનું અદકેરું અને અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક સેન્સના અભાવે દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે બાલ્યકાળથી વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો જાણે, સમજે અને પાલન કરતાં થાય તે અત્યંત જરૂરી હોવાથી આ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં શાળા કક્ષાએ આ તમામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી શાળા કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની આરટીઓ કચેરી ખાતે સ્પર્ધા યોજવામાં આવી હતી.
કવિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો માટેની પીપીટી તેમજ વીડિયો બતાવાયા હતા, ત્યારબાદ વિદ્યાર્થીઓની કવિઝ આરટીઓ અધિકારી આર. એ. જાડેજા દ્વારા કરાવાઈ હતી. આ ઉપરાંત આરટીઓ અધિકારી આર. કે. રાવલે બાળકો સાથે આવેલ વાલીઓ અને શિક્ષકોને ટ્રાફિક નિયમો વિશે અવેર કર્યા હતા. જેમાં હેલ્મેટ પહેરવાના ફાયદા, શીટબેલ્ટ બાંધવાના ફાયદાઓ જણાવ્યા હતા, ત્યારબાદ ભરતભાઈ વડગાસિયાએ લોક સાહિત્ય તેમજ હળવીશૈલીમાં માર્ગ અને સલામતી વિશે વાતો કરી હતી.
આ સ્પર્ધાના પરિણામ મુજબ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હેંસી દિલીપભાઈ પરમાર, દ્વિતીય ક્રમ મૈત્રી હિતેશકુમાર કાંજીયા અને તૃતીય ક્રમ જ્યોતિ વાઘજીભાઈ સોલંકીએ મેળવ્યો હતો તેમજ ડ્રોઈંગમાં દેવાંશી ભવિનભાઈ ગામી પ્રથમ, શ્રીના પારસભાઈ લિખિયા દ્વિતીય અને યેરેન તુલસી પરેશભાઈ તૃતીય સ્થાને આવ્યા હતા. કવિઝમાં પ્રથમ પૂજા મહેશભાઈ ચાવડા, દ્વિતીય મિત એન. આશર અને તૃતીય જીગ્સ અરવિંદભાઈનું નામ જાહેર કરાયું હતું. વિજેતાઓને કલેકટર કે.બી.ઝવેરી, ડીવાયએસપી, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત વગેરેના હસ્તે બેગ, રિસ્ટ વોચ, દિવાલ ઘડિયાળ, પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમજ ભાગ લેનાર તમામ 1000 વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરાઈ હતી.
કલેક્ટર, ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારી વગેરે મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સૌને માર્ગ સલામતી માટે કાળજી રાખવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણયક તરીકે સેવા આપનાર રાજેશ ગાંભવા, જયેશભાઈ વિસોડિયા, અભય ઢેઢી,બેચરભાઈ ગોધાણી, પ્રવીણભાઈ મેરજા વગેરેનું સન્માન કરાયું હતું, સમગ્ર કાર્યક્રમ માટે સ્વ નિર્ભર શાળા સંચાલકના કાર્યકર્તાઓ નિલેશભાઈ કુંડારિયા, હર્ષદભાઈ કાવર, બળદેવભાઈ સરસાવાડિયા વગેરેએ સાથ સહકાર પૂરો પાડ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમને સકળ બનાવવા જિલ્લા આરટીઓ અધિકારી તપન મકવાણા, એઆરટીઓ આર.પી.પ્રજાપતિ, આર.એ.જાડેજા તેમજ તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.














