મોરબી મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (A.N.C.D.) શાખા દ્વારા રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જહેમતના ભાગરૂપે, નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નાયબ પશુપાલન નિયામક, વેટેનરી ઓફિસર, A.N.C.D. શાખાના શાખાઅધ્યક્ષ અને મોરબી તાલુકાની 17 ગૌશાળાઓના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના પરિણામે, ગૌશાળા સંચાલકો તરફથી અંદાજે 250 પશુઓને રાખવા માટેની બાહેંધરી પ્રાપ્ત થઈ હતી, જે પશુ નિયંત્રણની કામગીરીમાં મોટી રાહત આપશે.
પાલિકાના આંકડા મુજબ, માર્ચ 2025 થી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં અંદાજિત 2030 પશુઓને પકડવામાં આવ્યા છે. વધુમાં, પકડાયેલા પશુઓમાંથી 1254 પશુઓનું RFID ટેગિંગ કરવામાં આવ્યું છે. ટેગિંગ કરાયેલા આ પશુઓને મોરબી જિલ્લાની વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.
A.N.C.D. શાખા દ્વારા હાલમાં પણ પશુ પકડવાની કામગીરી સતત ચાલુ છે. મહાનગરપાલિકાએ તમામ પશુ માલિકોને તેમના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા અને પેટ ડોગ માલિકોને પણ તેમનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત આ કાર્યવાહી હાલમાં પણ શરૂ છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયુ છે.











