યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શકે પોલીસ તાલીમ કેમ્પમાં યુવાનોને માર્ગદર્શન આપ્યું
મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ મોરબી ખાતે યોજાયેલા પોલીસ તાલીમ કેમ્પની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે તાલીમ લઈ રહેલા યુવાન અને યુવતીઓ સાથે વિશેષ સંવાદ કરીને તેમને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડૉ. રબારીએ પોતાના ઉદ્દબોધનમાં પોલીસની વર્દીને માત્ર નોકરી નહીં, પણ સમાજની રક્ષા, અન્યાય સામે ઊભા રહેવાની હિંમત અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ ગણાવ્યો હતો. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને અડગ મનોબળ થકી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તાલીમાર્થીઓના અભિપ્રાયો જાણીને તેમણે કેમ્પની કાર્યપદ્ધતિની પ્રશંસા કરી અને અહીં જોવા મળતી શિસ્ત અને સમર્પણ ભાવનાને ભાવિ સુરક્ષા વ્યવસ્થાનો મજબૂત આધાર ગણાવ્યો હતો.
તેમણે બહેનોની વધતી ભાગીદારીને સમાજમાં ગૌરવપૂર્ણ પરિવર્તન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આજની દીકરીઓ વર્દી પહેરીને સમાજ માટે સુરક્ષાનું આશ્વાસન બની રહી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ યુવાનોમાં દેશભક્તિ, આત્મવિશ્વાસ અને સેવા ભાવના વિકસાવવાના ધ્યેય સાથે સતત કાર્યરત છે. અંતમાં, ડૉ. રબારીએ તમામ તાલીમાર્થી યુવાન-યુવતીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.













