મોરબીમાં સામાજિક સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા ‘સંગમ ફાઉન્ડેશન મોરબી’ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વની પ્રેરણાદાયી અને સેવાભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના સભ્યોએ મોરબીની આસપાસ આવેલા સેવા વસ્તી વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરા તેમજ મમરાના લાડવાનું વિતરણ કર્યું હતું. તહેવારના આનંદથી કોઈપણ બાળક વંચિત ન રહી જાય, તેવા ઉમદા હેતુ સાથે કરવામાં આવેલા આ કાર્યથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત છવાઈ ગયું હતું. સંગમ ફાઉન્ડેશન દ્વારા અપનાવાયેલ આ માનવીય અભિગમને સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશંસા મળી હતી.










