મોરબી: મકરસંક્રાંતિના પાવન પર્વે મોરબી પાંજરાપોળને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. દાતાઓએ મન મૂકીને દાનની સરવાણી વહાવતા આજે એક જ દિવસમાં મોરબી પાંજરાપોળને 1,05,12,993 રૂપિયાનું અનુદાન મળ્યું છે. આ ઉપરાંત 1700 મણ લીલો ઘાસચારો પણ મોરબી પાંજરાપોળને આજરોજ દાનમાં મળ્યો છે.
મોરબી પાંજરાપોળ દ્વારા મોરબી શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે જુદી જુદી 39 જગ્યાએ દાન માટે સ્ટોલ રાખી ટહેલ નાંખી હતી. જેમાં દાતાઓ દ્વારા ખૂબ જ સારો સહકાર મળતા એક કરોડથી વધુનું અનુદાન મળ્યું છે. મહત્વનું છે કે, મોરબી પાંજરાપોળ દ્વારા 6,000 જેટલા ગૌ વંશના નિભાવ માટે વૃદ્ધાશ્રમ આકાર લઇ રહ્યું છે. સાથે જ પાંજરાપોળના ટ્રસ્ટી અને રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા એક જ જગ્યાએ 8 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જાગૃતિ માટે પણ ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે.












