ટંકારા તાલુકાના છતર જીઆઇડીસી વિસ્તારમાં ટંકારા પોલીસે મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે મોટી સફળતા મેળવી છે. રાજકોટ રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા મળેલી સૂચના અનુસાર ટંકારા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક નામ વિનાના ગોડાઉનમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે છતર જીઆઇડીસીમાં આવેલ જલારામ પ્લાસ્ટિક નામના ગોડાઉનની બાજુમાં આવેલા નામ વિનાના ગોડાઉનમાં રાત્રિના સમયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની વિસ્કી અને રમ સહિત ઇંગ્લીશ દારૂની કુલ 988 બોટલો મળી આવી હતી.
આ ઉપરાંત ઇંગ્લીશ દારૂ ભરેલ અશોક લેલેન્ડ ટ્રક ટ્રેલર, એક બોલેરો પિકઅપ વાહન, ચાર મોબાઇલ ફોન તેમજ પ્લાસ્ટિકની ચપલનો જથ્થો સહિત કુલ રૂ.1 કરોડ 17 લાખથી વધુનો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના રહેતા કમલેશ બાપુલાલ વડેરા, જીતમલ કાલીયા કટારા અને નાનીલાલ વાલીયા સીંગાડાની ધરપકડ કરી છે. જ્યારે ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય આરોપી પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા સહિત પાંચ આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના નિર્દેશથી વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, ટંકારા પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયા, પી.એસ.આઇ. એસ.એન. સગારકા તથા ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે.









