મોરબીમાં મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ચગાવી રહેલા છોકરાવ ધાબા પર ગાળો બોલતા હોય નજીકમાં રહેતા પરિવારના સભ્યોએ પતંગના સ્ટોલ ધારક સાથે ઝઘડો કરી ધોકા અને પથ્થરના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડી હતી. સામાપક્ષે પણ આરોપીએ ધોકાના ઘા ઝીકી લોખંડની કોશ વડે મહિલા સહિતનાઓને ઇજા પહોંચાડયાની વળતી ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણનો પર્વ લોહિયાળ બન્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર ગણેશનગરના નાકા પાસે પતંગનો સ્ટોલ ધરાવતા ફરિયાદી ભાવેશભાઈ નાનજીભાઈ પરમારે આરોપી જયંતીભાઈ ઉર્ફે ભોલો, હાર્દિકભાઈ, જયેશભાઇ તેમજ સોનલબેન નામના મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરે તેઓ પોતાના પતંગના સ્ટોલ પર હાજર હતા ત્યારે આરોપીઓએ સ્ટોલ ખાતે આવ્યા હતા અને તમારા છોકરા ધાબા ઉપર ગાળો બોલે છે તેમ કહેતા છોકરાવને ધાબા પરથી નીચે ઉતારી દીધા હતા.જો કે, આમ છતાં આરોપીઓએ ઝઘડો કરી પથ્થરના છુટા ઘા કરી ધોકા વડે ફરિયાદ તેમજ સાહેદને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સામાપક્ષે પણ ફરિયાદી હાર્દિકભાઈ પ્રવીણભાઈ કણઝારીયાએ આરોપી યોગેશ તેમજ અજાણ્યા બે આરોપીઓ વિરુદ્ધ અગાસી પર ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા આરોપી યોગેશ તેમજ અન્ય શખ્સોએ સાહેદ જયેશભાઇ, જયંતીભાઈ અને સોનલબેનને ધોકા, લોખંડની કોશ વડે માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.











