વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં ભુવા પાસે એક શખ્શ દાણા જોવડાવવા ગયો હોય ત્યારે ભુવા સુતા હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને માતા અને પુત્રીને છરીના ઘા ઝીંકી દીધા હતા જે બનાવમાં માતાનું સારવારમાં મોત થયું હતું હત્યાનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ.26 હજારનો દંડ ફટકાર્યો છે.
આ બનાવ ગત તા.23/08/2020ના રોજ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં બન્યો હતો. આ અંગે વાલાસણ ગામની રહેવાસી પુજાબેન રમણીકભાઈ ફૂલતરીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પિતા રમણીકભાઈ કુળદેવીના ભુવા તરીકે કાર્ય કરતા હતા. ગામના રહેવાસી વિક્રમ ગોરધન ફૂલતરીયા દાણા જોવડાવવા આવ્યા હતા, ત્યારે ભુવા છત પર સુતા હોવાનું જણાવવામાં આવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ પિતાને જગાડવાની બાબતે ઝઘડો કર્યો અને બાદમાં પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી પુજાબેનને ઈજા પહોંચાડી હતી તેમજ તેની નાની બહેન કાજલને પેટના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી હતી. આ ઘટનામાં માતા કંચનબેનને પણ છરીનો ઘા લાગતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયાને ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં તપાસ અધિકારી તરીકે તત્કાલિન પીએસઆઇ આર. પી. જાડેજા (વાંકાનેર તાલુકા પોલીસ) દ્વારા સઘન તપાસ કરી આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. હત્યાનો કેસ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રી પી. વી. શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ વી. સી. જાની દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને સશક્ત દલીલોના આધારે કોર્ટએ આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટએ આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયાને આઈપીસી કલમ 302 હેઠળ આજીવન કારાવાસ અને રૂ.20,000 દંડ, આઈપીસી કલમ 323 હેઠળ 6 માસની સજા અને રૂ.1,000 દંડ, આઈપીસી કલમ 324 હેઠળ ૨ વર્ષની સજા અને રૂ.5,000 દંડ ફટકારી કુલ રૂ.26,000નો દંડ કર્યો છે.











