મોરબી : એક તરફ મોરબીમાં ટ્રાફિક સમસ્યાએ અજગરી ભરડો લીધો છે. તેવામાં છાસવારે હેવી વાહનો શહેરની અંદર ગેરકાયદેસર રીતે બેફામ પ્રવેશી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આજે બપોરે 3:30 વાગ્યાના અરસામાં શનાળા રોડ ઉપરથી એક વિશાળકાય ટ્રક જે ઓવરલોડ તો હતો જ સાથે ઓવર હાઈટ પણ હતો. આ ટ્રક કલેક્ટરના જાહેરનામાનો ઉલ્લંઘન કરી શહેરમાં પ્રવેશ્યો હતો પણ પોલીસ દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ટ્રકે સરદારબાગ પાસે ટ્રાફિકજામ કરી નાખ્યો હતો. વધુમાં ડ્રાઇવર મોબાઈલ ફોન ઉપર વાત કરતો ટ્રક ચલાવતો હતો. આ ટ્રકથી કોઈ અકસ્માત સર્જાય અને જાનહાની થાય તો જવાબદારી કોની તેવા પણ પ્રશ્નો સર્જાયા છે. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી છે. તેમના જણાવ્યા અનુસાર આ ટ્રકને અટકાવવા માટે એકેય પોઇન્ટ ઉપર પોલીસ હાજર જ ન હતી. જો પોલીસ આવી જ ઢીલ રાખશે તો શહેરની ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વધ્યા કરશે.











