માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએ 3D ફિલ્મ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર 3D ફિલ્મનો આનંદ માણ્યો હતો.
શાળાના આચાર્ય અનિલ બદ્રકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી શાળામાં “શાળા વિકાસ ફંડ” નામે નવતર અને પ્રેરણાદાયી પ્રયોગ અમલમાં છે. જેમાં ગ્રામજનો જન્મદિવસ, પુણ્યતિથિ તેમજ અન્ય શુભ પ્રસંગોએ સ્વેચ્છાએ ફાળો આપી રહ્યા છે. આ ફંડનો ઉપયોગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે સાથે શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે કરવામાં આવે છે.
આ જ પહેલ અંતર્ગત તાજેતરમાં શાળાએ વિદ્યાર્થીઓ માટે 3D ચશ્માંની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ સમયાંતરે શાળા કક્ષાએ જ 3D ફિલ્મોના માધ્યમથી શિક્ષણ સાથે મનોરંજનનો લાભ લઈ શકે. આ 3D ચશ્માં દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને 3D ફિલ્મ બતાવવામાં આવી હતી.









