ભુજ ખાતે આવેલ સ્મૃતિવન મધ્યે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર અમર શહીદો તથા કચ્છના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા “એક શામ શહીદો કે નામ” સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 26 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7:00 કલાકે યોજાનાર આ કાર્યક્રમ કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને સહકારથી તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન સ્મૃતિવન ખાતે ભારતમાતાનું પૂજન કરવામાં આવશે તેમજ દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. ઉપરાંત, કચ્છના ભયાવહ ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગત આત્માઓને સ્મરણાંજલિ પણ આપવામાં આવશે.
આ સત્સંગ કાર્યક્રમમાં લોકપ્રિય લોકગાયક નિલેશભાઈ ગઢવી, ઇન્ડિયન આઇડલ ફેમ પવન નાગર, લોકગાયિકા ઉર્વશી રાદડીયા, ઐશ્વર્યા કેશવાણી તેમજ અક્ષય જાની અને તેમની ટીમ દ્વારા દેશભક્તિથી સરોબર સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. “માટે લડે છે દેશના સન્માન કાજે, આવો નમન કરીએ સહુ ગર્વભેર એમને આજે” જેવા ભાવસભર સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવશે.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જનતા જનાર્દનને આ દેશભક્તિપૂર્ણ સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શહીદોને નમન કરવા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી છે.









