મોરબી જિલ્લાના કાયદાકીય ક્ષેત્રના વ્યાવસાયિકો અને વકીલ મિત્રો વચ્ચે પરસ્પર સ્નેહ અને સંકલન વધે તેવા હેતુ સાથે આગામી સમયમાં એક ભવ્ય ‘સ્નેહમિલન તથા સન્માન સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલન સમારોહ આગામી તારીખ 31/01/2026 ને શનિવારના રોજ રાજકોટ-મોરબી હાઈવે પર લજાઈ પાસે આવેલ ‘ક્લબ 36’ (Club 36) ખાતે યોજાશે. જેમાં કાર્યક્રમનો પ્રારંભ સાંજે 6:30 કલાકે થશે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરશે. જેમાં મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર. અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલ સાહેબો તેમજ સને 2016-17 પહેલાના સમયગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા મહાનુભાવોનું પણ વિશેષ રીતે સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવશે. તેમજ આ કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે સ્વરૂચિ ભોજન રાખવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય ચંદ્રવદન જાની દ્વારા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ માટે જિલ્લાના તમામ વકીલ મિત્રો અને પત્રકાર જગતના મિત્રોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










