મોરબી: યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના રાષ્ટ્રવ્યાપી આહવાનના પગલે આજે મોરબીમાં બેંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને રણશિંગુ ફૂંક્યું છે. શહેરના ઐતિહાસિક નેહરુ ગેટે આવેલી બેંક ઓફ બરોડા ખાતે મોટી સંખ્યામાં બેંકર્સ એકઠા થયા હતા અને સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તમામ ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો આંદોલનમાં જોડાઈ
પાંચ દિવસના બેંકિંગ (5 Days Banking) ની માંગ સાથે યોજાયેલા આ આંદોલનમાં માત્ર સરકારી જ નહીં, પરંતુ ૧૨ રાષ્ટ્રીયકૃત બેંકો સહિત તમામ પ્રાઈવેટ બેંકના યુનિયનો પણ જોડાયા હતા. બેંક કર્મચારીઓના આ આક્રમક મિજાજને કારણે બેંકિંગ ક્ષેત્રમાં ગરમાવો જોવા મળ્યો હતો.
“સરકાર વચન આપીને ફરી ગઈ” – મહેન્દ્ર પોપટ
આ તકે UFBU મોરબી યુનિટના કન્વીનર અને INBOC ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૧૫માં જ્યારે બીજા અને ચોથા શનિવારની રજા અમલી બની ત્યારે સરકારે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં તમામ શનિવારની રજા જાહેર કરાશે. ૨૦૨૪માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં કેન્દ્ર સરકાર હજુ સુધી મંજૂરીની મહોર મારી રહી નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર તમામ કલ્યાણકારી યોજનાઓનો બોજ બેંકર્સ પર નાખે છે, પરંતુ જ્યારે કર્મચારીઓના હિત અને ‘વર્ક-લાઈફ બેલેન્સ’ની વાત આવે છે ત્યારે સરકાર વિલંબની નીતિ અપનાવે છે.
વિકસિત દેશો અને અન્ય ક્ષેત્રોનો આપ્યો હવાલો
વિરોધ પ્રદર્શન દરમિયાન તાર્કિક મુદ્દા રજૂ કરતા આગેવાનોએ કહ્યું કે જ્યારે RBI, સરકારી કચેરીઓ, વીમા ક્ષેત્ર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં ૫ દિવસનું કામકાજ છે, તો બેંકો સાથે ઓરમાયું વર્તન કેમ? અમેરિકા, કેનેડા, જાપાન અને જર્મની જેવા વિકસિત રાષ્ટ્રોમાં પણ ૫ દિવસનું બેંકિંગ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.
આંદોલન વધુ તેજ કરવાની ચીમકી
બેંક યુનિયનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર આગામી દિવસોમાં પાંચ દિવસના કામકાજ અંગે સત્તાવાર જાહેરાત નહીં કરે, તો આગામી સમયમાં આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને દેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે.









