મોરબી સ્થિત આયુષ હોસ્પિટલના સુપ્રસિદ્ધ ક્રીટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. સત્યજીતસિંહ જાડેજાની કુશળતા અને સમર્પિત સારવારના કારણે 90 વર્ષના એક વયોવૃદ્ધ દર્દીને જીવલેણ ગંભીર હાલતમાંથી સફળતાપૂર્વક બહાર લાવી નવજીવન આપવામાં આવ્યું છે. તા. 15 જાન્યુઆરી, 2026ના રોજ અર્ધ બેભાન સ્થિતિમાં એક 90 વર્ષના વૃદ્ધ દર્દીને આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 68 ટકા હતું અને શ્વસનક્રિયા અત્યંત ગંભીર અવસ્થામાં હતી. સ્થિતિની ગંભીરતા જોઈ તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ કરેલી વિસ્તૃત તપાસમાં જણાયું કે દર્દીના ફેફસામાં ગંભીર ચેપ ફેલાયેલો હતો અને ફેફસા સંપૂર્ણપણે નબળા પડી ગયા હતા. આ સાથે દર્દીના હૃદયના ધબકારા અત્યંત અનિયમિત થઈ ગયા હતા તથા બ્લડ પ્રેશર ખતરનાક રીતે ઓછું થઈ ગયેલું હોવાથી બીપી વધારવા માટે ઊંચા ડોઝના ઇન્જેક્શન્સ આપવાની ફરજ પડી હતી. 90 વર્ષની ઉંમર અને આટલી ગંભીર તબીબી પરિસ્થિતિ હોવા છતાં દર્દીનું જીવન બચાવવું મોટો પડકાર હતો.
ડૉ. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આયુષ હોસ્પિટલની ક્રીટિકલ કેર ટીમે સચોટ નિદાન અને સતત મોનિટરિંગ સાથે સારવાર ચાલુ રાખી. પરિણામે માત્ર એક અઠવાડિયામાં દર્દીની હાલતમાં નોંધપાત્ર સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સફળ સારવાર બાદ દર્દી અને તેમના પરિવારજનો દ્વારા ડૉ. સત્યજીતસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ સતત જટિલ અને જીવલેણ બીમારીઓથી પીડાતા દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી રહી છે, જેના કારણે અનેક પરિવારજનો માટે આયુષ હોસ્પિટલ આશાનું કેન્દ્ર બની રહી છે.











