મોરબી-માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા નજીક એક સાથે 11 ટ્રકમાંથી ડીઝલ ચોરીની ઘટનાનો મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી ડીઝલ ચોરી કરતી કચ્છની કુખ્યાત સમાગેંગના એક સભ્ય તેમજ ચોરાઉ ડીઝલ ખરીદ કરનાર આરોપીની ધરપકડ કરી રૂ.63,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મોરબી-માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે તેમજ ગાળા નજીક રવિવારે પરોઢિયે એક સાથે 11 જેટલા ટ્રકમાંથી નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા તસ્કરો ડીઝલ ચોરી કરી જવાના બનાવમાં તાલુકા પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી હતી.બીજી તરફ હ્યુમન અને ટેક્નિકલ સોર્સ મારફતે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીમાં કચ્છના નાના દીનારાની સમાગેંગ સંડોવાયેલ હોવાનો સચોટ બાતમી મળતા પોલીસે આરોપી અયુબ મલુક સમાને ઝડપી લઈ ચોરીનું ડીઝલ ખરીદનાર પ્રદીપ અમુભાઈ મિયાત્રાને પણ દબોચી લઈ 175 લીટર ડીઝલ સહિત કુલ રૂ.63,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી અયુબ મલુક સમાં વિરુદ્ધ કચ્છના અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 13 ગુન્હાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.











