મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ચાલતા મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે સંઘના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે એક સુંદર વિષય એટલે કે પંચ પરિવર્તન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિષય ઉપર સમાજ અને વાલીમાં જાગૃતિ આવે તેના માટે 25 જાન્યુઆરી ને રવિવારે રાત્રે 9 વાગે શનાળા વિદ્યાલય પર “પંચ પરિવર્તન કથા” રાખવામાં આવી હતી.
આ કથામાં મુખ્ય વક્તા તરીકે સંઘના કાર્યકર્તા વિજયભાઈ રાવલે સુંદર વાતો રજૂ કરી હતી. ભારતને આત્મા નિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ તથા વિચારમાં પણ સ્વદેશીતા આવે એ પહેલું પરિવર્તન કરવાની આવશ્યકતા છે. બીજું એટલે મનુષ્ય માત્ર સમાન. આજે જ્ઞાતિ, જાતિ ,પંથ ,સંપ્રદાય અને આર્થિક રીતે સમાજનું જે રીતે વિભાજન થયું છે તેનાથી લાંબા ગાળે સમાજ, રાષ્ટ્ર અને વ્યક્તિને નુકસાન થશે. આના માટે સમરસ સમાજનું નિર્માણ થાય તેવો પ્રયત્ન કરવા જોઈએ. બીજું પરિવર્તન આજે પર્યાવરણ એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે. પ્રકૃતિના દરેક તત્વનો આપણી સાથે, આપણા જીવન વિકાસ સાથે અભિન્ન નાતો જોડાયેલો છે. સમગ્ર પ્રકૃતિ અને પર્યાવરણ એ આપણાથી અલગ નથી આપણો તેની સાથે આત્મીય સંબંધ છે. સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાથે રાખીને પર્યાવરણનું સંરક્ષણ અનેક સંકટોનું નિવારણ છે.
ચોથું છે નાગરિક કર્તવ્ય. નાગરિક તરીકેની જવાબદારીઓનું પાલન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. અને પાંચમુ એટલે કુટુંબ પ્રબોધન. પરિવાર એ વ્યક્તિની પ્રથમ પાઠશાળા છે. વ્યક્તિ વ્યવહારો, રીતરિવાજો ,પ્રસંગો આ બધું પરિવારમાંથી શીખે છે. પરિવારમાં એકતા ,સંસ્કારયુક્ત વાતાવરણ, ખાનપાન, પહેરવેશ યોગ્ય હશે તો વ્યક્તિનું ઘડતર બરાબર થશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા અરવિંદભાઈએ આ પ્રકારના સુંદર વિષયથી પ્રભાવિત થઈને શિશુ મંદિરને ખૂબ અભિનંદન આપ્યા. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને આ વિચાર અપનાવવા વિનંતી કરી હતી. અંતમાં આભાર દર્શન થયું હતું. શાંતિમંત્ર બોલી પ્રસાદ ગ્રહણ કરી સૌ છૂટા પડ્યા હતા. આ અલગ પ્રકારની કથાની વાતો કરતા કરતા બધાના ચહેરા પર આનંદ ,ઉલ્લાસ અને કંઈક સારું સાંભળ્યાનો સંતોષ હતો. વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા તથા નિયામક સુનિલભાઈ પરમારે મહેમાનોનું સ્વાગત અને અભિનંદન કર્યું હતું.











