Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બે દિવસીય ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ’ સફળતાપૂર્વક સંપન્ન

મોરબીમાં બે દિવસીય ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ’ સફળતાપૂર્વક સંપન્ન

મોરબી: GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી દ્વારા 29 અને 30 જાન્યુઆરીના રોજ આયોજિત બે દિવસીય ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ’ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ ઉત્સવમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 15 જેટલા ઇનોવેટીવ શિક્ષકોએ પોતાની અનોખી શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણમાં રોજબરોજ આવતી કઠિન ક્ષમતાઓને નવીન પ્રયોગો દ્વારા બાળકો માટે સરળ બનાવવાનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અનુસાર બાળક પોતે જાતે કરતું અને શીખતું થાય તે દિશામાં આ એક મહત્વનું પગલું છે. અત્યાર સુધીમાં 500 જેટલા શિક્ષકોએ આ મેળાની મુલાકાત લીધી છે, જેમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓની પસંદગી રાજ્ય કક્ષા માટે કરવામાં આવશે.

વાંકાનેરની દિગ્વિજયનગર પ્રાથમિક શાળાના શિક્ષક ધ્રુવગીરી ગોસ્વામીએ ‘મારે સ્વતંત્ર લેખન કરવું છે’ વિષય પર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું. તેમણે જોયું કે ધોરણ 6 થી 8 ના બાળકો નિબંધ કે વાર્તા લેખનમાં મુશ્કેલી અનુભવતા હતા. આ ઉકેલ માટે તેમણે બાળકોને પહેલા મુક્ત મને ચિત્ર દોરવા પ્રોત્સાહિત કર્યા, જેનાથી બાળકોના મનમાં વિઝ્યુલાઇઝેશન (દ્રશ્ય કલ્પના) શક્તિ વધી. ત્યારબાદ તે ચિત્રોના આધારે બાળકોએ મૌલિક લેખન શરૂ કર્યું. પ્રાચીન પંચશિક્ષા પદ્ધતિના ‘મનોમય કોષ’ને ધ્યાનમાં રાખીને સંગીત અને ચિત્રના સમન્વયથી બાળકોમાં લેખન પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો છે.

સાર્વજનિક પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન ગોધાસરાએ સામાજિક વિજ્ઞાન જેવા વિષયને રસપ્રદ બનાવવા ‘લર્નિંગ મેચિંગ મ્યુઝિક ગેમ’ બનાવી છે. વાંચનમાં કચાશ ધરાવતા બાળકો માટે આ એક ગેમ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેમાં સાચા જવાબ પર સ્પર્શ કરવાથી સાયરન વાગે છે, જેનાથી બાળકો રમતા-રમતા દેશના રાષ્ટ્રપતિ કે મંત્રીઓના નામ જેવી સામાન્ય જ્ઞાનની માહિતી સરળતાથી યાદ રાખી શકે છે. છેલ્લા સવા વર્ષથી કાર્યરત આ ઇનોવેશનમાં પ્લાસ્ટિક ફ્રેમનો ઉપયોગ કરી અલગ-અલગ વિષયોની ચિઠ્ઠીઓ બદલીને વિવિધ ટોપિક શીખવી શકાય છે.

હરબટિયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સંખલાએ ‘નિપુણ ભારત’ના લક્ષ્યોને સિદ્ધ કરવા ‘શૂટ એન્ડ વિન’ નામનું સાધન વિકસાવ્યું છે. આ પ્રવૃત્તિમાં બાળકો શબ્દોને ‘શૂટ’ કરીને તેનું વાંચન, લેખન અને ગણન શીખે છે. આ રમત આધારિત શિક્ષણને કારણે વર્ગખંડમાં બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગીતાબેનના જણાવ્યા અનુસાર, આ પ્રયોગ દ્વારા તેમને 60% જેટલી સફળતા મળી છે, જે બાળકોની પાયાની સાક્ષરતા સુધારવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments