મોરબી: લોકોમાં નિરોગી જીવનશૈલી પ્રત્યે જાગૃતિ આવે અને કુદરતી ચીજવસ્તુઓનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુ સાથે હરડે પ્રચાર કેન્દ્ર, મોરબી દ્વારા આવતીકાલે રવિવારે પ્રાકૃતિક અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન-વેચાણ કાર્યક્રમ તારીખ 01/02/2026, રવિવાર ના રોજ સવારે 08:00 થી બપોરે 12:00 વાગ્યા દરમિયાન સનાળા રોડ પર ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, માર્કેટિંગ યાર્ડની બહાર, આર.ડી.સી. બેંકના દરવાજા પાસે યોજાશે. આ કેન્દ્ર પરથી નાગરિકોને સ્વાસ્થ્યવર્ધક હરડે પાવડર, ગીલોય ઘનવટી, ગૌમૂત્ર અર્ક, સિંધાલુણ નમક અને કુદરતી સાબુ જેવી વસ્તુઓ મળી રહેશે. આ ઉપરાંત, રાગીના ભૂંગરા, આમળાની કેન્ડી, લેમન ટી અને શુદ્ધ ઓર્ગેનિક શાકભાજીનું પણ વેચાણ કરવામાં આવશે.
કેન્દ્ર દ્વારા ઘરના સુશોભન અને રસોડામાં ઉપયોગી એવા લાકડાના પાટલા, વેલણ તથા જેરણી જેવી વસ્તુઓ તેમજ રાહત દરે 10 પ્રકારના ગુલાબ અને અન્ય ફૂલછોડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા મોરબીની જનતાને આ તકનો લાભ લેવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી ઘરેથી કાપડની થેલી સાથે લાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.








