મોરબી: તારીખ 01 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું કે સિરામિક ઉદ્યોગની મુખ્ય માંગણીઓ જેવી કે 18% ટેક્સ સ્લેબમાંથી 5% માં સમાવેશ, કુદરતી ગેસને વેટ (VAT) માંથી જીએસટી (GST) માં લાવવો, અને સ્થાનિક સ્તરે રિસર્ચ સેન્ટર તથા આર. એન્ડ ડી. લેબની સ્થાપના કરવી, તે આ બજેટમાં સંતોષાઈ નથી.
જોકે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે બજેટની કેટલીક જાહેરાતો સિરામિક ઉદ્યોગ માટે આશાસ્પદ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ નવા મકાનો બનાવવાની યોજનાથી સિરામિક ઉદ્યોગને સીધો અને આડકતરો મોટો ફાયદો થવાની શક્યતા છે. આ ઉપરાંત, સરકારે એમ.એસ.એમ.ઈ. (MSME) ક્ષેત્ર માટે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તેનાથી મોરબી, રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને નવું બળ મળશે અને રોજગારીની તકો ઊભી થશે. આમ બજેટને લઈને સિરામિક એસોસિએશનના પ્રમુખે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે.









