મોરબી : મહિલાઓની સુરક્ષા અને મદદ માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન ફરી એકવાર બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તારીખ 04/02/2026 ના રોજ મોરબીના માધાપર વિસ્તારમાં એક અજાણી મહિલા ગભરાયેલી હાલતમાં મળી આવતા જાગૃત નાગરિક દ્વારા 181 પર જાણ કરવામાં આવી હતી. આ મહિલા કોઈને ઓળખ આપતી ન હતી અને ચિંતામાં હોવાથી તુરંત અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ રમીલાબેન અને પાયલોટ મહેશભાઈ પરમારે મહિલાને સાંત્વના આપી વિશ્વાસમાં લીધી હતી. સંવેદનશીલતાપૂર્વક કરવામાં આવેલા કાઉન્સિલિંગમાં જાણવા મળ્યું કે, મહિલા ધંધુકા ખાતે પોતાની બહેનના ઘરેથી કોઈને કહ્યા વગર મોરબી આવી પહોંચી હતી. મહિલાના પતિના અવસાન બાદ તેઓ માનસિક રીતે વ્યથિત હતા અને વાંકાનેર રહેતી પોતાની બીજી બહેનના ઘરે જવા નીકળ્યા હતા, પરંતુ રાત પડી જતાં તેઓ રસ્તો ભટકી ગયા હતા અને મુંઝવણમાં મુકાયા હતા.
અભયમ ટીમ દ્વારા મહિલાને રાત્રિના સમયે આ રીતે એકલા ન નીકળવા અંગે સમજાવટ આપી હતી. ત્યારબાદ તેમના બહેન-બનેવીનો સંપર્ક કરી ચોક્કસ પુરાવાઓની ખરાઈ કરવામાં આવી હતી. મહિલાના પરિવારે જણાવ્યું કે પતિના મૃત્યુ બાદ મહિલા અવારનવાર ઘરેથી નીકળી જાય છે અને પરિવાર તેમને શોધવા માટે ચિંતિત હતો.
અભયમ ટીમ દ્વારા મહિલાના બહેન-બનેવીને કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપી મહિલાનું યોગ્ય ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી. અંતે, મહિલાને સહી-સલામત તેમના પરિવારને સોંપવામાં આવતા પરિવારે ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આમ, અભયમની ત્વરિત કામગીરીને કારણે એક અસહાય મહિલાને સમયસર મદદ અને પરિવારનો સાથ મળી શક્યો.








