અરજદારોએ ૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે
મોરબી: નાગરિકોના વણઉકેલ્યા પ્રશ્નોના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફેબ્રુઆરી માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારો માટે તંત્ર દ્વારા ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
કાર્યક્રમની માહિતી:
તારીખ અને સમય: ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ | સવારે ૧૧:૦૦ કલાકે, સ્થળ: સભાખંડ, જિલ્લા કલેક્ટર કચેરી, મોરબી. અરજી કરવાની અંતિમ તારીખ: ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬.
અરજી પ્રક્રિયા અને જરૂરી નિયમો:
આ કાર્યક્રમમાં સીધી અરજી કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે, જે નીચે મુજબ છે:
પૂર્વ રજૂઆતનો પુરાવો: જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અરજી કરતા પહેલા જો પ્રશ્ન ગ્રામ્ય કક્ષાનો હોય તો ગ્રામ પંચાયતને અને તાલુકા કક્ષાનો હોય તો તાલુકાના જે તે અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ. જો ત્યાં પ્રશ્ન અનિર્ણિત હોય, તો જ અહીં અરજી કરી શકાશે.
અરજીનું સ્વરૂપ: અરજીના મથાળે સ્પષ્ટ અક્ષરે ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવું. અરજી સ્પષ્ટ, મુદ્દાસર અને આધાર-પુરાવા સાથેની હોવી જોઈએ.
સાથે જોડવાના દસ્તાવેજો: અગાઉ જે તે વિભાગમાં કરેલી રજૂઆતનો આધાર અને તે કચેરી તરફથી મળેલા જવાબની ઝેરોક્ષ નકલ અરજી સાથે જોડવી ફરજિયાત છે.
અરજદારની વિગતો: અરજીમાં અરજદારે પોતાનું નામ, પૂરું સરનામું, ફોન નંબર અને સહી અચૂક કરવી.
અલગ વિષય – અલગ અરજી: જો અરજદારને એકથી વધુ પ્રશ્નો હોય, તો દરેક પ્રશ્ન માટે અલગ-અલગ અરજી આપવાની રહેશે.
કેવા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહીં?
સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો., કોર્ટમાં ચાલતા કેસો, દાવાઓ કે ન્યાયિક બાબતો. અંગત રાગદ્વેષ કે વ્યક્તિગત આક્ષેપો ધરાવતી અરજીઓ.
અગાઉ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જેનો નિકાલ આવી ગયો હોય તેવા પ્રશ્નો. જે પ્રશ્ન અરજદારનો પોતાનો ન હોય તેવી રજૂઆતો.
નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેથી સમયસર સંબંધિત વિભાગના વડાને અરજી પહોંચતી કરવા અનુરોધ કરાયો છે.








