મોરબીના GIDC વિસ્તારમાં આવેલી ભોલે બાબા ડેરીમાં આજે સવારે 9:30 કલાકની આસપાસ એક મોટી દુર્ઘટના ઘટી હતી. દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઈલરમાં ઓવરહિટીંગ થવાને કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 300 કિલો વજન ધરાવતો બોઈલરનો એક ભાગ હવામાં ફંગોળાઈને આશરે 10 ફૂટ દૂર આવેલી અન્ય ફેક્ટરીઓના શેડ પર જઈ પડ્યો હતો.
બ્લાસ્ટને કારણે બોઈલરનો ભારેખમ ટુકડો ઉડીને બાજુમાં જ આવેલી ‘જાનકી ફેબ્રિકેશન’ અને ‘રાજ એલ્યુમિનિયમ સેક્શન’ નામના એકમોના પતરા ચીરીને નીચે ખાબક્યો હતો. સદનસીબે આ સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનામાં ભોલે બાબા ડેરીના એક શ્રમિકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું ડેરીના માલિક દ્વારા જણાવાયું છે. બોઈલર ફાટવાની સાથે જ ફેક્ટરીમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, મોરબી GIDCના અન્ય શ્રમિકો અને ભોલે બાબા ડેરીના સંચાલકોએ ત્વરિત સતર્કતા દાખવી સ્થાનિક સ્તરે જ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.









