મોરબી: વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે બોર્ડની પરીક્ષા આપી શકે તેવા શુભ હેતુથી, મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 08/02/2026 ને, રવિવારના રોજ પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 170 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 155 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજર રહી પરીક્ષાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ફેબ્રુઆરી-2026ની આગામી બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને પરીક્ષા પદ્ધતિથી વાકેફ કરવાનો હતો. પરીક્ષા દરમિયાન બેઠક વ્યવસ્થાથી લઈને તમામ પ્રક્રિયાઓ આબેહૂબ બોર્ડ જેવી જ રાખવામાં આવી હતી. જેમાં એક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, હોલ ટિકિટ (રસીદ), બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને ઉત્તરવહી લખવાની પદ્ધતિ અને વહીવટી પ્રક્રિયાઓ અંગેની મૂંઝવણોનું સચોટ નિવારણ મળ્યું હતું.
શાળાના અનુભવી સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સુચારુ સંચાલનને કારણે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પરીક્ષા આપવાનો માહોલ પૂરો પાડવામાં આવ્યો હતો. આ પૂર્વ અનુભવને કારણે વિદ્યાર્થીઓમાં રહેલો પરીક્ષાનો ‘હાવ’ અને ડર દૂર થયો છે. પરીક્ષા બાદ અનેક વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ આયોજનથી તેઓ હવે ચિંતામુક્ત થઈને બોર્ડની પરીક્ષા આપવા સજ્જ બન્યા છે. સંસ્થા દ્વારા આગામી SSC બોર્ડની પરીક્ષા આપનાર મોરબીના તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ મેળવી માતા-પિતા અને ગુરુનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.









