મોરબી : કહેવાય છે કે જો મનમાં મક્કમ નિર્ધાર અને શ્રદ્ધા હોય તો ઉંમર ક્યારેય બાધ બનતી નથી. આ વાત મોરબીના વાવડી રોડ પર રહેતા 72 વર્ષીય નથુભાઈ જેઠાભાઈ પડસુંબીયાએ સાબિત કરી બતાવી છે. પૂર્વ ખેડૂત એવા નથુભાઈએ આ વર્ષે મોરબીના એકમાત્ર વ્યક્તિ તરીકે સફળતાપૂર્વક નર્મદા પરિક્રમા પૂર્ણ કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે.
નથુભાઈને લાંબા સમયથી નર્મદા પરિક્રમા કરવાની પ્રબળ ઈચ્છા હતી. અતૂટ આસ્થા અને અદમ્ય ઈચ્છાશક્તિથી તેમણે ગત 1 નવેમ્બરના રોજ તેમણે ઓમકારેશ્વરથી પોતાની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ નાગપુર સહિતના વિવિધ પ્રાંતના પદયાત્રીઓ પણ તેમની સાથે જોડાતા ગયા હતા. અંદાજે ચાર મહિના જેટલા લાંબા સમયગાળા સુધી ચાલેલી આ કપરી યાત્રામાં અનેક મુશ્કેલીઓ છતાં નથુભાઈ ડગ્યા ન હતા. 1 નવેમ્બરથી શરૂ થયેલી આ ભક્તિમય સફર 9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. 72 વર્ષની વયે પદયાત્રા દ્વારા પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરતા તેમના પરિવાર અને સ્નેહીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.










