મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે બપોર બાદ શહેરના હાર્દ સમાન નેહરુ ગેઈટ ચોક અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. નહેરુ ગેઈટ ચોકથી જુના બસ સ્ટેન્ડ અને અયોધ્યાપુરી રોડ પર અડચણરૂપ લારી-ગલ્લા અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા નેહરુ ગેઈટ ચોક વિસ્તારમાંથી અંદાજે 30 થી 35 જેટલી લારીઓ તથા નેહરુ ગેઈટ ચોકથી જૂના બસ સ્ટેન્ડ સુધીના રોડ પરથી અન્ય 30 જેટલી લારીઓ મળી કુલ 70 જેટલી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે રસ્તો રોકતા સામાન પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં દુકાનદારોએ બાઈક પાર્કિંગ ન થાય તે માટે મુકેલી 2 જેટલી લોખંડની જાળીઓ, મોબાઈલ કવરનું સ્ટેન્ડ, 3 થી 4 વજનકાંટા અને 5 થી 6 છત્રીઓ પણ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ-બે મહિના પહેલા પણ તંત્ર દ્વારા આવી જ કામગીરી કરવામાં આવી હતી. જોકે, નેહરુ ગેઈટ ચોકમાં બપોર સુધી રસ્તા ખુલ્લા રહે છે, પરંતુ બપોર બાદ ફરી લારી-ગલ્લાના ખડકલા થઈ જતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. વારંવારની ડ્રાઈવ બાદ પણ ‘જૈસે થે’ ની સ્થિતિ સર્જાતી હોવાથી, નગરજનો હવે તંત્ર પાસે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે કોઈ કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.









