મોરબી: શહેરની ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે જટિલ બની રહી છે, ત્યારે મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના કેનાલ રોડને સિમેન્ટ કોંક્રીટ (C.C.) રોડ બનાવી લોકોની સુવિધા વધારવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે
શું છે મુખ્ય સમસ્યા?
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ પત્રમાં જણાવ્યું છે કે: હાલમાં કલેક્ટર દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના માર્ગને વન-વે જાહેર કરવામાં આવ્યો છે.
લીલાપરથી ઉમિયા સર્કલ સુધીનો કેનાલ રોડ C.C. રોડ બનાવી દેવાયો છે, પરંતુ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો ટુકડો શા માટે બાકી રખાયો? તે મોટો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ આ રોડને વન-વે જાહેર કરાયો હતો, છતાં વિકાસ કાર્યમાં તેને કેમ અવગણવામાં આવ્યો તે તપાસનો વિષય છે.
ટ્રાફિક અને હાલાકી
આ રોડ પાકો ન હોવાના કારણે ઉમિયા સર્કલ પાસે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જો કોઈને બાયપાસ જવું હોય તો ભક્તિનગર સર્કલ સુધી લાંબુ થવું પડે છે, જેનાથી સમય અને ઈંધણનો વ્યય થાય છે.
આંદોલનની ચીમકી
પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આ રોડને તાત્કાલિક મંજૂર કરી C.C. રોડ બનાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોરબીની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ બાબતે મોરબી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ નકલ રવાના કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.









