મોરબી: જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીના પાર્સલની આડમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા પીએસઆઈ જે.સી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, વાપીથી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીના બોક્સમાં દારૂ મંગાવવામાં આવ્યો છે. આ જથ્થો તૌફીકભાઇ મહેબુબભાઇ બુખારી નામનો શખ્સ લાતીપ્લોટ શેરી નં. 6 ના નાકેથી મેળવી લોડિંગ રિક્ષા (નં.GJ-03-BX-5810) માં લઈ જવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેઇડ કરતા આરોપી મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે રિક્ષાની તલાશી લેતા કુલ 10 પાર્સલ બોક્સ મળી આવ્યા હતા, જેની વિગત નીચે મુજબ છે:
- દારૂનો જથ્થો: 7 બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1248 બોટલો (કિંમત ₹4,05,600/-) મળી આવી હતી.
- આડસ: અન્ય 3 બોક્સમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રાખેલી બેટરીના પાણીની 18 બોટલો મળી હતી.
- બનાવટી દસ્તાવેજ: દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું ખોટું બનાવટી બિલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
- કુલ મુદ્દામાલ: રિક્ષા અને દારૂ સહિત કુલ ₹4,57,400/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. પરમાર, પીએસઆઈ જે.સી. ગોહિલ, એ.એસ.આઈ. કિશોરભાઇ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા તથા કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને જયદીપભાઇ જોડાયા હતા.










