ટંકારા નગરપાલિકા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘર મળે તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા ગતિશીલ કામગીરી કરવામાં આવી રહી છે. અફોર્ડેબલ હાઉસિંગ મિશન PMAY 2.0 (શહેરી) અંતર્ગત આજે ચીફ ઓફિસર દ્વારા મહત્વના દસ્તાવેજો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા આજે વધુ 3 લાભાર્થીઓના ત્રિ-પક્ષીય કરાર પર રૂબરૂ સહી-સિક્કા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 35 જેટલા લાભાર્થીઓના કરારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ કરાર પ્રક્રિયા સંપન્ન થતા હવે લાભાર્થીઓ માટે આગળની બાંધકામ મંજૂરી તેમજ ચણતરકામનો માર્ગ મોકળો બન્યો છે.
આવાસ યોજનામાં પારદર્શિતા અને ઝડપ લાવવાના ઉદ્દેશ્ય સાથે, જે લાભાર્થીઓનું મકાન કામ લિન્ટલ લેવલ સુધી પહોંચ્યું છે તેવા 8 અરજદારોની હપ્તા મેળવવાની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાભાર્થીઓને બાંધકામ માટે સમયસર નાણાકીય સહાય ઉપલબ્ધ થશે, જેથી ઘરનું કામ અટકે નહીં.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નગરપાલિકાના એમ.આઈ.એસ. ઓફિસર ચાંદની એસ. લાડોલા તેમજ સવજાણી એ એન્ડ ઈ એસોસિએટ્સમાંથી લલિતભાઈ સારેસા ઉપસ્થિત રહ્યા હતા. લલિતભાઈ દ્વારા પ્લોટની ચોકસાઈપૂર્વક ચકાસણી અને માપણી અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી.
ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, “સરકારની પ્રાથમિકતા દરેક જરૂરિયાતમંદ પરિવારને પોતાની છત પૂરી પાડવાની છે. પારદર્શક વહીવટ અને ઝડપી પ્રક્રિયા દ્વારા અમે લાભાર્થીઓને વહેલી તકે પોતાનું ઘર મળે તેવા પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ.”









