મોરબી: મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાની રજા પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયેલા એક કેદીને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એલ.સી.બી. પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલા (IPC કલમ ૩૦૨, ૨૦૧ મુજબના) ગુનામાં આજીવન કેદની સજા પામેલો રાજકોટ જિલ્લા જેલનો પાકા કામનો કેદી (નંબર ૪૮૨૩૯) શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઈ ચાવડા (રહે. રાજપરા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ગત તા. ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ ૧૦ દિવસની વચગાળાની રજા પર જેલમાંથી મુક્ત થયો હતો. આ કેદીને રજા પૂર્ણ થતા તા. ૨૮/૧૨/૨૦૨૫ ના રોજ પરત રાજકોટ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. આ પેરોલ જમ્પર આરોપી અંગે મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગી બાતમી (હ્યુમન સોર્સીસ) મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે તે કલોલ (જી. ગાંધીનગર) ખાતે તળાવ રોડ, એમ.કે. મોબાઈલ પાસે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે આજે તેને ત્યાંથી ડીટેઈન કરી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી તેને પરત રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.









