મોરબી જિલ્લાના વાહન ચાલકો પોતાના વાહન માટે મનપસંદ ‘ફેન્સી’ નંબર મેળવી શકે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મોરબી દ્વારા વિવિધ શ્રેણીના વાહનો માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, ફોર-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ GJ36BA, BC, AQ, AN, AM, AS અને ટુ-વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ, BB તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36X, GJ36V શ્રેણીના બાકી રહેતા પસંદગીના નંબર માટે આ હરાજી યોજાશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ભારત સરકારના પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ http://www.parivahan.gov.in/fancy પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ ઈ-ઓક્શન પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશનનો પ્રારંભ તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ થશે, જે તા. ૦૧/૦૩/૨૦૨૬ના રોજ સુધી ચાલશે. બિડિંગની પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી તા. ૦૩/૦૩/૨૦૨૬ સુધી ઓનલાઇન ચાલુ રહેશે. અરજકર્તાઓએ હરાજીમાં નક્કી થયેલી બાકી રહેતી રકમ પરિણામ જાહેર થયાના દિવસથી પાંચ દિવસની અંદર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, ઓક્શનમાં ભાગ લેનારા તમામ અરજદારોએ વાહન ખરીદીના અસલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે તેમ મોરબી આર.ટી.ઓ. કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









