જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિબંધ અને લાઉડ સ્પીકરના ઉપયોગ તથા ચારથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર પ્રતિબંધ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ દરમિયાન લેવાનાર ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ની પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરીએ જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.
આ જાહેરનામા અનુસાર, તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન નિયત થયેલા પરીક્ષાના દિવસોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ સિવાય અન્ય બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કાર્યમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, પરીક્ષાર્થીઓની એકાગ્રતા જળવાય તે માટે લાઉડ સ્પીકર કે અન્ય ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનોના ઉપયોગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે તથા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોપી કરવાના ઈરાદાથી કરવામાં આવતા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ આ આદેશો પરીક્ષાના તમામ દિવસોએ સવારના પરીક્ષા શરૂ થવાના સમયથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે.









