Friday, February 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા (મિં) તાલુકાના રોહિશાળામાં તસ્કરોનો આતંક: 3 મકાન, 2 મંદિર, દુકાન અને...

માળિયા (મિં) તાલુકાના રોહિશાળામાં તસ્કરોનો આતંક: 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી

મોરબી જિલ્લા હેઠળના માળિયા (મી.) તાલુકાના રોહિશાળા ગામમાં ગત રાત્રે તસ્કરો દ્વારા એકસાથે અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવતા ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ચોરોએ ૩ મકાન, ૨ મંદિર, ૧ દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરીને અંજામ આપ્યો હતો. ઘટના રાત્રિના અંદાજે ૧ વાગ્યાથી વહેલી સવારના ૫ વાગ્યા દરમ્યાન બની હોવાનું જાણવા મળે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તસ્કરો સૌથી પહેલા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી સીસીટીવી કેમેરા કાર્યરત છે કે કેમ તેની તપાસ કરી હતી. જોકે, ગામના અંદાજે ૧૨ જેટલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર છેલ્લા એક માસથી રિપેરિંગ માટે આપવામાં આવતાં સિસ્ટમ બંધ હાલતમાં હતી. હાલ ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું હોવાનું પણ ગ્રામજનો જણાવે છે. કેમેરા બંધ હોવાની ખાતરી કર્યા બાદ તસ્કરોએ ગામમાં અન્ય સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરીની ઘટનામાં ગામના કબીર આશ્રમમાંથી દાનપેટી તોડી અંદાજે રૂ. ૨૦ હજાર જેટલી રોકડ રકમ અને ઘી લઈ જવામાં આવ્યું હતું.

જ્યારે રામજી મંદિરમાંથી ૩ ચાંદીના છતર ચોરી ગયા હોવાનું જાણવા મળે છે. પૂજારી હરિકૃષ્ણ ટીલાવત બહારગામ હોવાને કારણે તેમના બંધ મકાનના તાળા તોડી રોકડ રકમ તેમજ ચાંદીના ઘરેણાંની ચોરી કરવામાં આવી હતી. ઉપરાંત વલ્લભભાઈ વિઠલભાઈ કાલરીયાની દુકાનમાંથી તેલની બોટલો, ચા, માવા અને પરચૂરણ સહિતનો સામાન ઉઠાવી જવામાં આવ્યો હતો. એક જ રાત્રે ગામના અનેક સ્થળોએ ચોરીની ઘટના બનતા ગ્રામજનોમાં અસુરક્ષા ની લાગણી વ્યાપી ગઈ છે. બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને પોલીસે તસ્કરોને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments